સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ ખાતે ક્રેન ઓપરેટરો હડતાળ પર ઉતરતા કામગીરી પર અસર જોવા મળી રહી છે. વિવિધ સાત જેટલી પડતર માંગણીઓના મુદ્દે 80થી વધુ કર્મચારીઓએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. હડતાળના કારણે ટેક્સટાઇલ્સ સહિત વિવિધ માલસામાનના કન્ટેનરો અટવાતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સુરતના હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટ પર કાર્યરત ક્રેન ઓપરેટરો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. અદાણી પોર્ટ પર પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 80થી વધુ કર્મચારીઓએ કામકાજ બંધ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમની સાત જેટલી મહત્વની માંગણીઓ લાંબા સમયથી બાકી છે. અનેક રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા તેઓ હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા છે.હડતાળના કારણે પોર્ટ પર ટેક્સટાઇલ્સ સહિત વિવિધ માલસામાનના કન્ટેનરોની હેરફેર પર અસર પડી છે. મોટી સંખ્યામાં કન્ટેનરો અટવાઈ જતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જો તેઓ કામ પર નહીં ચઢે તો તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેમજ ટેલિફોનિક ધમકીઓ પણ આપવામાં આવે છે. કર્મચારીઓએ કંપની તેમજ કેટલાક તત્વો સામે દબાણ અને મેન્ટલ ટોર્ચરના આરોપો લગાવ્યા છે.ન્યાયની માંગ સાથે તમામ કર્મચારીઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. હાલ કર્મચારીઓ પોતાની માંગણીઓના નિરાકરણની રાહ જોઈ રહ્યા છે.
અદાણી પોર્ટના ક્રેન ઓપરેટરો હડતાળ પર 80થી વધુ કર્મચારીઓએ કામકાજ બંધ કર્યું...