"કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ભેદઉકેલાયો,રમણ મિશ્રા ઝડપાયો"

સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ભેદ ઉકેલાયો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપી રમણ મિશ્રાની ધરપકડ કરી છે. આરોપીએ 23 જુલાઈના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ પર RDX વડે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ટેક્નિકલ એનાલિસિસથી આરોપી સુધી પહોંચી પોલીસ

એડિશનલ DCP ડૉ. કરણરાજસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી રમણ મિશ્રા છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અને હીરાના કારખાનામાં કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે કામ પર જતો ન હતો અને મોટાભાગનો સમય સોશિયલ મીડિયા, YouTube વીડિયો અને વિવિધ ઓનલાઇન લેક્ચર જોવા પાછળ પસાર કરતો હતો.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ પોતાની બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિ પાસેથી હોટસ્પોટ માંગવાના બહાને તેનો મોબાઇલ ફોન લીધો હતો. ત્યારબાદ તે મોબાઇલનો ઉપયોગ કરીને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ સરનામે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો. ટેક્નિકલ તપાસના આધારે પોલીસે ઈ-મેઈલ મોકલનાર સુધી પહોંચી આરોપીની ઓળખ કરી હતી.

મોબાઇલમાંથી સુપ્રીમ કોર્ટ માટેનો ડ્રાફ્ટ પણ મળ્યો

પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કરીને તેની ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરાયેલો અન્ય એક ધમકીભર્યો ઈ-મેઈલ ડ્રાફ્ટ પણ મળી આવ્યો હતો. ઉપરાંત પાસપોર્ટ ઓફિસને પણ આ પ્રકારનો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આ ઈ-મેઈલ માત્ર ટ્રાયલ તરીકે મોકલ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે પોલીસે આ દાવાની પણ ચકાસણી શરૂ કરી છે અને આરોપીની વાસ્તવિક મનોદશા, તેનો હેતુ તથા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351 અને 353 તેમજ IT Actની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને તેની પૂછપરછના આધારે વધુ મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.