વલસાડની માન નદીમાં પ્રદૂષણની આશંકા, પાણી લાલ-પીળું દેખાતાં ગ્રામજનોમાં ચિંતા
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતી માન નદીમાં પ્રદૂષણની આશંકાને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. બામટી અને મરઘમાળ ગામ પાસેથી પસાર થતી નદીનું પાણી સવારે લાલાશ પડતું અને સાંજના સમયે પીળા રંગનું જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી છે. નદીમાં નાની માછલીઓએ જીવ ગુમાવતાં કિનારાના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ હોવાનો સ્થાનિકોનો દાવો છે.
માન નદીના પાણીનો રંગ બદલાતાં ગ્રામજનોમાં ચિંતા
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી માન નદીના પાણીના રંગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે નદીનું પાણી લાલાશ પડતું દેખાય છે, જ્યારે સાંજના સમયે પીળા રંગનું જોવા મળે છે.
નદીના પાણીમાં આ પ્રકારના ફેરફારને કારણે ગ્રામજનો પ્રદૂષણની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. નદીમાં નાની માછલીઓએ જીવ ગુમાવ્યાની ઘટના પણ સામે આવી છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ હોવાની ફરિયાદો ઉઠી છે.
જોકે પાણીનો રંગ બદલાવાનું અને માછલીઓએ જીવ ગુમાવવાનું ચોક્કસ કારણ પાણીના વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
બામટી સહિત આસપાસનાં ગામોના પાણી પર અસર થવાની ભીતિ
મરઘમાળ ગામના સરપંચ રજની પટેલ અને બામટી-રાનપાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ નારણભાઈ પાનેરીયાએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
તેમના જણાવ્યા મુજબ આસપાસનાં ગામોના લોકો માન નદીના પાણીનો ઉપયોગ કપડાં ધોવા અને પશુઓને પાણી પીવડાવવા માટે કરે છે.
બામટી, ભાંબા અને નોંધાઈ સહિતના ગામોમાં બોર અને કૂવાના પાણી પણ પ્રદૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ ભૂગર્ભજળની ગુણવત્તા અંગે પણ તપાસ કરવાની માંગ કરી છે.
ધરમપુર નગરપાલિકાના પીવાના પાણી અંગે પણ સવાલ
ગ્રામજનોના જણાવ્યા મુજબ ધરમપુર નગરપાલિકા દ્વારા પણ માન નદીમાંથી પીવાના પાણી માટે પાણી લેવામાં આવે છે.
આ સ્થિતિમાં નદીના પાણીની ગુણવત્તા અંગે તપાસ કરવી જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે નગરપાલિકા દ્વારા પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા અને પીવાના પાણીની હાલની ગુણવત્તા અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.
પાણીના નમૂનાનો પરીક્ષણ અહેવાલ જાહેર કરવાની માંગ
ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ રજૂઆત કરવામાં આવ્યા બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા નદીના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ તેના પરીક્ષણનો અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
સ્થાનિકોએ નદીના પાણી ઉપરાંત આસપાસના બોર અને કૂવાના પાણીના નમૂના લઈને તેની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે.
ઐતિહાસિક રામકુંડ સાથે જોડાયેલી સ્થાનિકોની આસ્થા
માન નદી સાથે મરઘમાળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામકુંડની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. નદીમાં સંભવિત પ્રદૂષણના કારણે સ્થાનિકોમાં આ ધાર્મિક સ્થળ અને નદીના પર્યાવરણ અંગે ચિંતા વધી છે.
ગ્રામજનોએ સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે, પાણીના પરીક્ષણ અહેવાલ જાહેર કરવામાં આવે અને પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિઓ સામે પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
હાલ માન નદીના પાણીમાં પ્રદૂષણની હાજરી અને તેના સંભવિત સ્ત્રોત અંગે સત્તાવાર વૈજ્ઞાનિક પુષ્ટિ થવાની બાકી છે.
