"ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત"
ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, સચેત પોર્ટલથી 286 કરોડથી વધુ SMS અને NDRF-SDRFની 49 ટીમો સજ્જ.,
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગુજરાતમાં ભૂકંપ, પૂર, વાવાઝોડા સહિતની કુદરતી અને માનવસર્જિત આપત્તિ દરમિયાન 24 કલાક કાર્યરત રહી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરે છે. વર્ષ 2001ના કચ્છ ભૂકંપ બાદ વિકસાવવામાં આવેલું આ આધુનિક સેન્ટર આજે રાજ્યનું સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ હબ તરીકે કામગીરી કરી રહ્યું છે. ગાંધીનગર સ્થિત SEOCમાંથી સમગ્ર રાજ્યની પરિસ્થિતિનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે અને વિવિધ વિભાગો સાથે સતત સંકલન જાળવવામાં આવે છે.
SEOCથી સમગ્ર રાજ્ય પર સતત નજર
આપત્તિની સ્થિતિમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે SEOCમાં GSWAN હોટલાઇન, સેટેલાઇટ ફોન, લેન્ડલાઇન, ઈ-મેઇલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા, પોલીસ વાયરલેસ અને હેમ રેડિયો જેવી વિવિધ સંચાર વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ માધ્યમો દ્વારા સંબંધિત વિભાગો વચ્ચે ઝડપી માહિતીની આપ-લે કરવામાં આવે છે.
નાગરિકોને સમયસર ચેતવણી આપવા માટે રાજ્ય સરકારના 'સચેત' પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તાવાર માહિતી અનુસાર અત્યાર સુધીમાં સચેત પોર્ટલ મારફતે 286.4 કરોડથી વધુ SMS અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મોકલવામાં આવ્યા છે. ઉપરાંત છ કરોડથી વધુ મોબાઇલ એપ્લિકેશન યુઝર્સ અને 5.3 લાખથી વધુ વેબ બ્રાઉઝર એક્સેસ પણ નોંધાયા છે.
NDRF-SDRF સહિતની ટીમો હંમેશા તૈયાર
ગુજરાતમાં હાલમાં 33 જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, 5 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને 248 તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. નાગરિકો રાજ્ય કક્ષાએ 51900 અથવા 1070 અને જિલ્લા કક્ષાએ 1077 ટોલ-ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
આપત્તિના પ્રકાર અનુસાર SEOC હવામાન વિભાગ, સિંચાઈ વિભાગ, ISRO, ISR અને INCOIS જેવી નિષ્ણાત સંસ્થાઓ સાથે સતત સંકલન જાળવે છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 17 ટીમો અને SDRFની 32 ટીમો, એટલે કે કુલ 49 ટીમો, હંમેશા તૈયાર રાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ આર્મી, એરફોર્સ અને નેવીની મદદ પણ લેવામાં આવે છે.
ગુજરાત સરકારનું આ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ, સંકલન અને અસરકારક બચાવ કામગીરી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.