સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 વર્ષ જૂના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને કર્ણાટકના મેંગલોરથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2005થી વોન્ટેડ આરોપી હવે વરાછા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી બાબુસિંગ મહોબતસિંગ ને કર્ણાટકના મેંગલોરથી ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CrPC કલમ 70 મુજબ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ આરોપી વર્ષોથી મેંગલોરમાં છુપાઈને રહેતો હતો.બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેંગલોર પહોંચી હતી અને ખાનગી રાહે તપાસ કરી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2005માં તેણે પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં વરાછા વિસ્તારમાં સાડીનો શોરૂમ શરૂ કર્યો હતો.ત્યારબાદ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતી અંદાજે 15 લાખ રૂપિયાની સાડીઓ ઉધારેથી ખરીદી હતી.પરંતુ વેપારીઓને નાણાં ચૂકવ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો.ઝડપાયેલ આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બારવા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વરાછા પોલીસ સ્ટેશન ને સોંપી દીધો છે.
મેંગલોરથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ 15 લાખની છેતરપિંડી બાદ ફરાર થયો હતો.
21 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી ઝડપાયો