સુરતમાં નકલી RC બુક બનાવતી ગેંગનો લીંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ AI અને વિવિધ મોબાઇલ એડિટિંગ એપ્લિકેશનની મદદથી ચોરાયેલાં વાહનો માટે ડુપ્લિકેટ RC બુક તૈયાર કરતા અને ત્યારબાદ આ વાહનોનું વેચાણ કરતા હતા. પોલીસે આ મામલે મોઈન અને શોયેબ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 12 ચોરાયેલાં વાહનો સહિત કુલ રૂ.5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહનોની વિગતો મેળવી બનાવતા હતા ડુપ્લિકેટ RC
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ બંને આરોપીઓ ધોરણ 10માં નાપાસ હોવાનું જણાવાયું છે. તેમ છતાં ટેકનોલોજી અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કરતા હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ PhonePe અને Vehicle Info એપ મારફતે વાહનોને લગતી જરૂરી વિગતો મેળવતા હતા. ત્યારબાદ PicsArt અને ChatGPTની મદદથી વિગતોમાં ફેરફાર કરીને ડુપ્લિકેટ PVC RC બુક તૈયાર કરવામાં આવતી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
આ નકલી RC બુકનો ઉપયોગ ચોરાયેલાં વાહનોને અસલી દસ્તાવેજ ધરાવતા વાહનો તરીકે રજૂ કરવા અને તેનું વેચાણ કરવા માટે થતો હોવાનો પોલીસનો દાવો છે.
RC બુકની સ્પેલિંગ ભૂલથી શંકા ગઈ
આ સમગ્ર ગેંગનો પર્દાફાશ થવા પાછળ નકલી RC બુકમાં રહેલી સ્પેલિંગની ભૂલ મહત્વપૂર્ણ કડી બની હતી. RC બુકમાં રહેલી ભૂલને કારણે પોલીસને દસ્તાવેજની ખરાઈ અંગે શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ આગળ વધારવામાં આવતાં ડુપ્લિકેટ RC બુક બનાવવાની કથિત મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.
લીંબાયત પોલીસે બંને આરોપીઓ પાસેથી 12 ચોરાયેલાં વાહનો કબજે કર્યાં છે. વાહનો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ હવે કબજે કરાયેલા વાહનો ક્યાં-ક્યાંથી ચોરવામાં આવ્યા હતા, આરોપીઓએ અગાઉ કેટલાં વાહનો આ રીતે વેચ્યાં છે અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.
આ ઉપરાંત નકલી RC બુકના આધારે વાહનો કોને વેચવામાં આવ્યા હતા અને અન્ય કોઈ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી છે.
