અમદાવાદની બોક્સર કાવ્યા જોશીએ રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. અમદાવાદની 18 વર્ષીય નેશનલ લેવલની બોક્સર કાવ્યા જોશીએ માત્ર પાંચ મિનિટમાં 9 કિલો વધારાનું વજન શરીર પર રાખીને રોપ સ્કિપિંગની 750 સ્કિપ્સ પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ દરમિયાન તેણે રોપ સ્કિપિંગના 25 અલગ-અલગ પ્રકારો રજૂ કર્યા હતા. કાવ્યાની આ અનોખી સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
9 કિલો વધારાના વજન સાથે 750 સ્કિપ્સ પૂર્ણ
કાવ્યા જોશીએ આ પડકારજનક રેકોર્ડ માટે પાંચ મિનિટનો સમય લીધો હતો. આ દરમિયાન શરીર પર 9 કિલો વધારાનું વજન રાખીને રોપ સ્કિપિંગના 25 અલગ-અલગ પ્રકારો રજૂ કર્યા હતા. સતત મહેનત, શારીરિક ક્ષમતા અને રમત પ્રત્યેના સમર્પણના કારણે કાવ્યા 750 સ્કિપ્સ પૂર્ણ કરવામાં સફળ રહી હતી.
આ રેકોર્ડનો પ્રયાસ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા 'સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ' ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સીઈઓ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. રેકોર્ડની સફળતા બાદ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા કાવ્યાની સિદ્ધિને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી.
બોક્સિંગમાં પણ કાવ્યાની નોંધપાત્ર સિદ્ધિઓ
કાવ્યા જોશી માત્ર રોપ સ્કિપિંગમાં જ નહીં, પરંતુ બોક્સિંગ ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકી છે. તે રાજ્ય સ્તરે અનેક વખત બોક્સિંગ ચેમ્પિયન રહી છે. આ ઉપરાંત અનેક નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
કાવ્યાએ સબ-જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. નાની ઉંમરે રમતગમત ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિઓ તેની મહેનત અને રમત પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.
છ મહિનાની મહેનત બાદ મળ્યું સફળતાનું પરિણામ
આ વર્લ્ડ રેકોર્ડ માટે કાવ્યાએ છ મહિના અગાઉથી તૈયારી શરૂ કરી હતી. તેને સર્ટિફાઇડ ફિટનેસ અને NIS સ્પોર્ટ્સ કોચ અમનદીપ સિંહ ગોત્રાનું માર્ગદર્શન મળ્યું હતું. તૈયારી દરમિયાન દરરોજ ચારથી પાંચ કલાકની સઘન તાલીમ આપવામાં આવતી હતી.
આ તાલીમમાં યોગ્ય ન્યુટ્રિશન, રિકવરી સેશન, સ્ટ્રેન્થ અને સ્ટેમિના વધારવા માટે વેઇટ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સતત પ્રેક્ટિસ અને શિસ્તબદ્ધ દિનચર્યાના કારણે કાવ્યા આ પડકારને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકી હતી.
ઈજા છતાં હિંમત ન હારી, હવે મોટા લક્ષ્યો પર નજર
કાવ્યાએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે છ મહિનાની સખત મહેનત, શિસ્ત અને દૃઢ નિશ્ચયના કારણે આ રેકોર્ડ હાંસલ થયો છે. પગમાં ઈજા થયા બાદ પણ તેણે હિંમત હારી નહોતી. કોચ અને પરિવારના સહયોગથી તેણે પોતાની તૈયારી ચાલુ રાખી અને આખરે વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં સફળતા મેળવી હતી.
હવે કાવ્યાનો સંકલ્પ રમતગમત ક્ષેત્રે વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો છે. અમદાવાદની આ યુવા ખેલાડીએ પોતાની પ્રતિભા અને મહેનતથી ગુજરાતના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
