"અંકલેશ્વરની નેહલ મિસ્ત્રીએ M.Sc.માં મેળવ્યા 4 ગોલ્ડ મેડલ.."

નેહલ મિસ્ત્રી 4 ગોલ્ડ મેડલ મેળવી અંકલેશ્વર અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મહેન્દ્રનગરમાં રહેતી નેહલ મિસ્ત્રીએ M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં શાનદાર શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે નેહલને ચાર ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી.

ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી વધુ CGPA સાથે સિદ્ધિ

ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. તેણે M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી વધુ CGPA મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.

નેહલની આ સિદ્ધિ પાછળ તેની મહેનતની સાથે પરિવારનો સહકાર પણ મહત્વપૂર્ણ રહ્યો છે. તેના પિતા મિનેષ મિસ્ત્રી છૂટક મિસ્ત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. આર્થિક મુશ્કેલીઓ અને મર્યાદિત સાધનો હોવા છતાં પરિવારે નેહલના અભ્યાસમાં સતત સહયોગ આપ્યો હતો.

નેહલે પણ મુશ્કેલ પરિસ્થિતિઓને પોતાના અભ્યાસમાં અવરોધ બનવા દીધી નહીં અને સતત મહેનત કરીને ચાર ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

B.Sc. બાદ M.Sc.માં પણ ગોલ્ડ મેડલ

નેહલ મિસ્ત્રી માટે ગોલ્ડ મેડલ મેળવવાની આ પ્રથમ સિદ્ધિ નથી. આ અગાઉ તેણે B.Sc.ના અભ્યાસ દરમિયાન પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે નેહલ મિસ્ત્રીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ચાર ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ ક્ષણ નેહલની સાથે તેના પરિવાર માટે પણ ગૌરવપૂર્ણ બની હતી.

હવે નેહલનું લક્ષ્ય અભ્યાસને વધુ આગળ વધારવાનું છે. તે Ph.D.ની પદવી મેળવી પ્રોફેસર બનવા માંગે છે. શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધીને પોતે મેળવેલા જ્ઞાન અને અનુભવનો લાભ અન્ય વિદ્યાર્થીઓને આપવાનું તેનું સ્વપ્ન છે.

મર્યાદિત આર્થિક સાધનો વચ્ચે મહેનત, શિક્ષણ પ્રત્યેની લગન અને પરિવારના સહકારથી મેળવેલી નેહલ મિસ્ત્રીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.