અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુતીયા ગામે ભીષણ આગની ઘટના
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુતીયા ગામમાં હરેશભાઈ પરથાભાઈ લબાનાના કાચા મકાનોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બંધ મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના અન્ય બે મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલી ઘરવખરી, કપડાં અને અન્ય જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આગની જાણ થતાં મોડાસા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આગની ઘટનામાં બે લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.