સાઠંબા ગામે હિરબાઈ માતાજીના નવનિર્મિત મંદિરે ભવ્ય ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.કાર્યક્રમની શરૂઆત ગામના ઐતિહાસિક ટાવર પાસેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી.માતાજીના રથ સાથે નીકળેલી શોભાયાત્રામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા.ડીજેના તાલ અને માતાજીના જયઘોષથી સમગ્ર સાઠંબા ગામ ભક્તિમય બની ગયું હતું.શોભાયાત્રા મંદિર પરિસરે પહોંચ્યા બાદ વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.નિર્ધારિત મુહૂર્તમાં માતાજીના નૂતન ફોટાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ પ્રસંગે વાળંદ પરિવાર દ્વારા વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઈભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.મહોત્સવના ભાગરૂપે વિશાળ રસોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રતિષ્ઠા વિધિ બાદ હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવકો દ્વારા સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી.વાળંદ ધૂળાભાઈ પૂંજાભાઈ તથા સમસ્ત હિરબાઈ માં પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવ ગામના ધાર્મિક ઇતિહાસમાં યાદગાર બન્યો હતો.