અમરેલી જિલ્લાના બગસરા-સાપર-સુડાવડ માર્ગના અધૂરા કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી રોડનું કામ પૂર્ણ ન થતા આજે ખેડૂતો અને ગ્રામજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. બગસરાથી સાપર સુધીના અંદાજે 6 કિલોમીટર લાંબા માર્ગનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું પડ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.આક્ષેપ મુજબ તંત્ર દ્વારા જૂનો રોડ તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ નવો રોડ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી.સાપર અને સુડાવડ ગામને જોડતો આ એકમાત્ર મુખ્ય માર્ગ હોવાથી વાહનચાલકો, ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ખેડૂતોને પોતાની વાડી સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાપર ગામના સરપંચ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ મુદ્દે આજે સાપર અને બગસરાના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો.ગ્રામજનોએ રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કરી તંત્ર સમક્ષ તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી હતી.