"SPએ માતાનો જન્મદિવસ સેવાભાવથી ઉજવ્યો, દિવ્યાંગ બાળકો સાથે વહેંચી ખુશીઓ"
ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ માતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને સમાજને સેવાભાવનો સુંદર સંદેશ આપ્યો છે. તેમણે તેમના માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમની ખુશીમાં સહભાગી બન્યા હતા. આ સેવાભાવી પહેલને સૌએ બિરદાવી હતી.
અસ્મિતા વિકાસ કેન્દ્રમાં બાળકો સાથે ઉજવ્યો જન્મદિવસ
ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ માતૃશ્રી કમલારાજના જન્મદિવસે ત્રાલસા ગામના અસ્મિતા વિકાસ કેન્દ્રમાં માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો, વૃક્ષારોપણ કર્યું અને ગિફ્ટનું વિતરણ કરીને સેવાભાવ તથા માનવતાનો અનોખો સંદેશ આપ્યો
અક્ષયરાજ મકવાણા પરિવાર સાથે અસ્મિતા વિકાસ કેન્દ્ર પહોંચ્યા હતા, જ્યાં માનસિક દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો. બાળકોની વિવિધ શૈક્ષણિક અને પુનર્વસન સંબંધિત પ્રવૃત્તિઓ નિહાળી તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. બાળકો દ્વારા ગીત રજૂ કરીને માતૃશ્રી કમલારાજને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
વૃક્ષારોપણ અને ગિફ્ટ વિતરણથી ખુશીઓ વહેંચી
કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવવા અસ્મિતા વિકાસ કેન્દ્રના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ દિવ્યાંગ બાળકોને ગિફ્ટનું વિતરણ કરીને તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મકવાણા પરિવાર દ્વારા બાળકો સાથે વાતચીત કરી તેમને પ્રેમ અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું.
સંસ્થાની કામગીરીની માહિતી મેળવી
આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનો દ્વારા સંસ્થામાં ચાલી રહેલી શિક્ષણ, સંભાળ અને પુનર્વસનની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સંસ્થાના સેવાકાર્યની પ્રશંસા કરી અને આવા બાળકોને સમાજનો પૂરતો સહયોગ મળવો જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.
જરૂરિયાતમંદો સાથે ખુશી વહેંચવાનો આપ્યો સંદેશ
મકવાણા પરિવારે જણાવ્યું હતું કે જીવનની સાચી ખુશી પોતાના પ્રસંગોને જરૂરિયાતમંદો અને વિશેષ બાળકો સાથે ઉજવવામાં છે. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલી આહિર, અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ, મનીષા ત્રિવેદી સહિત સંસ્થાના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાભાવી ઉજવણી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે