ભેસ્તાન પોલીસની સંવેદનશીલ કામગીરી ગુમ થયેલ બાળક ગણતરીના કલાકોમાં મળ્યો...
સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલા માનસિક રીતે અસ્થિર 11 વર્ષના બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ દ્વારા બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. ભેસ્તાન વિસ્તારમાં રહેતા આરીફ અલી ઇસ્લામ શેખનો 11 વર્ષનો માનસિક રીતે અસ્થિર પુત્ર રમતા રમતા ઘરેથી નીકળી ગયો હતો.પરિવારજનોએ બાળકની આસપાસની સોસાયટીઓ, બગીચાઓ અને અન્ય સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.ત્યારબાદ પરિવારજનોએ ભેસ્તાન પોલીસનો સંપર્ક કરતા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી.ભેસ્તાન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બાળકનો ફોટો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કર્યો હતો.આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી વિવિધ CCTV કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઊન-ભેસ્તાન ગાર્ડન નજીકથી બાળકને સહીસલામત શોધી કાઢ્યો હતો.બાળક મળી આવતા પોલીસે તેને પરિવારજનોને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું.પોતાના દીકરાને સહીસલામત પરત મળતા પરિવારજનોએ ભેસ્તાન પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો