બોટાદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
બોટાદ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીના એક અનડિટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના કબજામાંથી કુલ ₹1.41 લાખથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બોટાદ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના અનુસાર જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. વસાવાએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન પીએસઆઈ વી.સી. ભરવાડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલી ટીમને હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભા વાળા અને પોલીસ કોન્સ્ટેબલ સતુભા ગંભીરસંગભાઈ તુવરને ટેક્નિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીના આધારે મહત્વની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીના કબજામાંથી આશરે 25.500 ગ્રામ વજનની રૂદ્રાક્ષ અને સોનાના પારાની માળા, અંદાજિત કિંમત ₹1,18,500, 262 ગ્રામ વજનના ચાંદીના પાયલ, કિંમત ₹21,100, તેમજ ₹2,000 રોકડ મળી કુલ ₹1,41,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.બોટાદ ટાઉન પોલીસે આ કાર્યવાહી દ્વારા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.