બોટાદ શહેરમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પ્રશાસનનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઈમામ હુસેનની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ દરમિયાન બોટાદ શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર ઉજવણી દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસકર્મીઓ ખડેપગે રહી શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં સતત ફરજ બજાવતા રહ્યા હતા. આ પ્રસંગે મોહરમ કમિટી અને મુસ્લિમ સમાજ દ્વારા બોટાદ ટાઉનના PI વસાવા સાહેબ, PSI તેમજ અન્ય પોલીસ સ્ટાફનું ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રશાસનની કામગીરીને બિરદાવી સમાજના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો. મોહરમ કમિટીમાં ઇલ્યાસભાઈ નાથાણી, ઇલ્યાસભાઈ બાવળિયા, રસુલભાઈ જતના (ટ્રાન્સપોર્ટ), અનવરભાઈ બાવળિયા, હુસેનશાહ અમીશા અને ઇબ્રાહીમબાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી દ્વારા પોલીસ પ્રશાસનની સેવાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.