ચાલતી બસમાં રીલ્સ બનાવવી પડશે ભારે...
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાની હોડ હવે એસટી કર્મચારીઓને ભારે પડી શકે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મુસાફરોની સલામતીને સર્વોપરી ગણાવી હવે ચાલતી એસટી બસમાં વીડિયો, રીલ્સ કે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે.હવે ચાલતી એસટી બસમાં મોબાઇલથી વીડિયો બનાવતા, રીલ્સ ઉતારતા કે સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ડ્રાઈવર અને કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.હિંમતનગર એસટી વિભાગ સહિત રાજ્યના તમામ એસટી ડેપોમાં આ પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક સમયથી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા ચાલતી બસમાં મોબાઇલનો ઉપયોગ કરીને વીડિયો અને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે તેવી આ બેદરકારીને એસટી નિગમે ગંભીરતાથી લીધી છે.હિંમતનગર એસટી વિભાગ હેઠળ આવતા મોડાસા, બાયડ, ભિલોડા અને માલપુર સહિતના વિવિધ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.પરિપત્ર મુજબ બસનું સંચાલન કરતી વખતે મોબાઇલ પર વાતચીત કરવી, વીડિયો કે ફોટોગ્રાફી કરવી, રીલ્સ બનાવવી અથવા સોશિયલ મીડિયા માટે કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.એસટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ ડ્રાઈવર અથવા કંડક્ટર આ સૂચનાઓનો ભંગ કરતા ઝડપાશે તો તેની સામે ખાતાકીય તપાસ, સસ્પેન્શન સહિતની કડક શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મુસાફરોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ એસટી નિગમ દ્વારા આપવામાં આવ્યો છે.