અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું છતડીયા ગામ હાલ વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. છતડીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. શાળા પરિસરમાં વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મહિલા શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે સહકર્મી શિક્ષક જયંતીભાઈ મહેતા વિદ્યાર્થીનીઓને બોલાવી તેમની સાથે અયોગ્ય વર્તન કરતા હતા. આ મામલે તેમણે અભયમ હેલ્પલાઈનની મદદ લઈ ધારી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આક્ષેપોનો સામનો કરી રહેલા જયંતીભાઈ મહેતાએ તમામ આરોપોને ફગાવતા જણાવ્યું છે કે તેમની કારકિર્દી ખતમ કરવા માટે આ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ આ જ શાળામાં મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રાથમિક શાળાના આચાર્યએ TPO, BRC તેમજ શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધારી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છતડીયા પ્રાથમિક શાળા બની વિવાદનું કેન્દ્ર...