સુરત શહેરમાં તાજેતરમાં વધી રહેલી હત્યા અને ગંભીર ગુનાઓની ઘટનાઓ વચ્ચે પોલીસ એક્શન મોડમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચોકબજાર પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હિસ્ટ્રીશીટરો, બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી છે.સુરત શહેરમાં વધતી ગુનાખોરી અને હત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખી ચોકબજાર પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસની અલગ-અલગ ટીમોએ ચોકબજાર વિસ્તારના હિસ્ટ્રીશીટરો, બુટલેગરો, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ અસામાજિક તત્વોની સઘન ચકાસણી કરી હતી.આ દરમિયાન પોલીસ દ્વારા ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓના એમસીઆર ચેક કરવામાં આવ્યા હતા. આરોપીઓ હાલ ક્યાં રહે છે, શું વ્યવસાય કરે છે અને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ હાથ ધરાઈ હતી.પોલીસે અસામાજિક તત્વો પાસેથી ઘાતક હથિયારો પણ કબ્જે કર્યા હતા. કામગીરી દરમિયાન 12થી વધુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસના આ કોમ્બિંગ ઓપરેશનથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.