અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગે વન્યપ્રાણીઓના ગેરકાયદેસર શિકારનો પર્દાફાશ કરતાં ચાર શિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ધારીના દલખાણીયા રેન્જ વિસ્તારમાં વહેલી સવારે વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરમિયાન દૂધાળા ગામના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમે ચાર શખ્સોને વન્યપ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરતા ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન આરોપીઓએ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આવતાં એક ચીતલ અને એક ઇન્ડિયન હેર એટલે કે સસલાનો ગેરકાયદેસર શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.આરોપીઓએ શિકાર કરાયેલા પ્રાણીઓના શરીરના ટુકડા કરી ચામડું અલગ કરી કોથળામાં ભરી મોટરસાયકલ મારફતે પરિવહન કરવાની તૈયારી કરી હતી, ત્યારે વન વિભાગે તેમને દબોચી લીધા હતા.વન વિભાગે આરોપીઓ પાસેથી એક જામગરી બંદૂક, એક ધારિયું, એક છરી તેમજ ત્રણ મોટરસાયકલ કબજે કરી છે.ચારેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.