"ધ્રાંગધ્રા સ્ટેશને નમો ભારત ટ્રેનના દરવાજા ન ખુલ્યા, 14 મુસાફરો અટવાયા"
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશને ધ્રાંગધ્રા નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીધામથી ધ્રાંગધ્રા તરફ આવી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેન નંબર 94802ના કોચ નંબર C7ના દરવાજા ધ્રાંગધ્રા સ્ટેશને ખુલ્યા નહોતા. પરિણામે અંદાજે 14 મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા નહોતા. મુસાફરોનો આક્ષેપ છે કે ત્રણ વખત ઈમરજન્સી બટન દબાવવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે ટ્રેન આગળ નીકળી જતાં મુસાફરોને વિરમગામ સુધીની મુસાફરી કરવી પડી હતી.
ધ્રાંગધ્રા સ્ટેશને C7 કોચના દરવાજા ન ખુલ્યા
મળતી માહિતી મુજબ, 8 નવેમ્બર 2026ના રોજ ગાંધીધામથી ધ્રાંગધ્રા તરફ આવી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેન નંબર 94802માં આ ઘટના બની હતી. ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશને ઊભી રહી હતી, પરંતુ કોચ નંબર C7ના દરવાજા ખુલ્યા નહોતા. જેના કારણે આ કોચમાં મુસાફરી કરી રહેલા અંદાજે 14 મુસાફરો સ્ટેશન પર ઉતરી શક્યા નહોતા.
આ મુસાફરોમાં સુરેન્દ્રનગરના રાજીવ ગોર અને તેમના પરિવારના ચાર સભ્યોનો પણ સમાવેશ થતો હતો. મુસાફરોએ દરવાજા ખોલાવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. ટ્રેન સ્ટેશન પર ઊભી હોવા છતાં બહાર ન નીકળી શકતાં મુસાફરોમાં મુશ્કેલી અને ચિંતા જોવા મળી હતી.
ત્રણ વખત ઈમરજન્સી બટન દબાવવા છતાં પ્રતિસાદ નહીં મળ્યાનો આક્ષેપ
મુસાફરોના જણાવ્યા અનુસાર, પોતાની સમસ્યા ગાર્ડ અને લોકો પાયલોટ સુધી પહોંચાડવા માટે ત્રણ વખત ઈમરજન્સી બટન દબાવવામાં આવ્યાં હતાં. તેમ છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે.
મુસાફરોની મુશ્કેલી વચ્ચે ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશન પરથી આગળ નીકળી ગઈ હતી. પરિણામે અંદાજે 14 મુસાફરોને પોતાની મુસાફરી આગળ ચાલુ રાખવાની ફરજ પડી હતી. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, આ પરિસ્થિતિમાં તેમને ધ્રાંગધ્રા સ્ટેશન પર ઉતરવાની તક મળી નહોતી.
વિરમગામ સ્ટેશને પણ દરવાજા ન ખુલતાં મુશ્કેલી વધી
ટ્રેન ધ્રાંગધ્રાથી આગળ વધીને વિરમગામ સ્ટેશને પહોંચી હતી. જોકે, ત્યાં પણ સંબંધિત કોચના દરવાજા ન ખુલતાં મુસાફરોની મુશ્કેલી યથાવત રહી હતી. આખરે મુસાફરોએ અન્ય કોચમાંથી બહાર નીકળવું પડ્યું હતું.
આ ઘટનાને પગલે મુસાફરોએ વિરમગામ રેલવે સ્ટેશન પર લેખિત ફરિયાદ નોંધાવી હતી. રાજીવ ગોર સહિતના મુસાફરોએ સમગ્ર ઘટનાની જાણ રેલવે તંત્રને કરી હતી. મુસાફરોનો આક્ષેપ છે કે ધ્રાંગધ્રા પરત જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
રેલવે તંત્રની કામગીરી સામે મુસાફરોએ ઉઠાવ્યા સવાલ
નમો ભારત રેપિડ રેલ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતી ટ્રેનમાં કોચના દરવાજા ન ખુલવા અને ઈમરજન્સી બટનનો પ્રતિસાદ ન મળવાના આક્ષેપોને પગલે રેલવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
મુસાફરોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટ્રેનના C7 કોચમાં સર્જાયેલી ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ શું હતું, ઈમરજન્સી બટન દબાવ્યા બાદ પણ પ્રતિસાદ કેમ મળ્યો નહીં અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં તેવા મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે.
હાલ આ સમગ્ર મામલે મુસાફરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે રેલવે તંત્રનો સત્તાવાર પક્ષ અને તપાસના પરિણામની રાહ જોવાઈ રહી છે.
