અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે બની રહેલા પુલના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપોને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક આગેવાનોના ઓડિયો વાયરલ થતાં ફરી એકવાર કામની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે નદી પર બની રહેલા પુલના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગામજનોના જણાવ્યા મુજબ પુલના પાયાના ખોદકામ અને પીસીસી કામગીરી દરમિયાન પણ નબળી ગુણવત્તાના આક્ષેપો થયા હતા. હવે ફરી એકવાર પુલના કામમાં ગુણવત્તા અને લાઈન-લેવલ અંગે પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિક ભાજપ આગેવાન રવજીભાઈ ચુડાસમાએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યા બાદ અટકેલી કામગીરી ફરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન સ્થાનિક આગેવાન, તાલુકા પંચાયત સદસ્ય અને કોન્ટ્રાક્ટર સાથેની વાતચીતના ઓડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે પુલના કામની તટસ્થ તપાસ થશે કે નહીં? તેમજ કામમાં કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?હાલ સમગ્ર મામલે વિસ્તારમાં ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે.