સુરત ક્રાઈમ બ્રાંચે સાયબર ગઠિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. કર્ણાટકના કોલારમાં 60 વર્ષીય વૃદ્ધાને CBI અધિકારી હોવાનું કહી ડિજિટલ અરેસ્ટકરીને ₹1.34 કરોડની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.સુરત ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે જીજ્ઞેશ ઉર્ફે જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.મળતી માહિતી મુજબ ગયા વર્ષે 7 ડિસેમ્બરે કર્ણાટકના કોલારમાં રહેતી 60 વર્ષીય વૃદ્ધાને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો.કોલ કરનારે પોતાને TRAI અધિકારી તરીકે ઓળખાવી તેમના ફોન નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું કહી ડરાવ્યા હતા.ત્યારબાદ ફેક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ બનાવી વીડિયો કોલ પર દિલ્હી પોલીસ અને CBI અધિકારી તરીકે વાત કરવામાં આવી હતી.આરોપીઓએ વૃદ્ધા પર મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના ખોટા આક્ષેપો લગાવી તેમને ડિજિટલ અરેસ્ટકર્યા હતા.RBI દ્વારા બેંક ખાતાની ચકાસણીના બહાને આરોપીઓએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધી હતી અને બે દિવસમાં પૈસા પરત કરવાની ખાતરી આપી હતી.આ રીતે દબાણમાં લાવી વૃદ્ધાના અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ ₹1.34 કરોડ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવી હતી.હાલ સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી જીજ્ઞેશ વઘાડિયાની ધરપકડ કરી તેને કર્ણાટક સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.