FSSAI રાજ્ય સ્તરીય પરામર્શ બેઠક અમદાવાદ ખાતે ‘ઈટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય સરકારના અધિકારીઓ, નિયામક સંસ્થાઓ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હિસ્સેદારોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પોષણ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ખાદ્ય ફોર્ટિફિકેશન, ખોરાકની ગુણવત્તા અને વર્તણૂક પરિવર્તન સંચાર સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વિવિધ ક્ષેત્રો વચ્ચે સંકલન વધારી પોષણ સુરક્ષા માટે અસરકારક રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
‘નૌરિશિંગ માઇન્ડ્સ, શેપિંગ ફ્યુચર્સ’ વિષય પર ચર્ચા
FSSAI દ્વારા યોજાયેલી બેઠકનું આયોજન ‘નૌરિશિંગ માઇન્ડ્સ, શેપિંગ ફ્યુચર્સ’ વિષય હેઠળ કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય હેતુ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ સામે સંકલિત પગલાંને વધુ અસરકારક બનાવવાનો અને ગુજરાતની ખાદ્ય સુરક્ષાથી વ્યાપક પોષણ સુરક્ષા તરફની સફરને આગળ વધારવાનો હતો.
બેઠકમાં ફૂડ ફોર્ટિફિકેશન માટેના રાષ્ટ્રીય નિયમનકારી માળખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સ્તરે તેના અસરકારક અમલીકરણ માટે જરૂરી પગલાં અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનની જરૂરિયાત અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું.
ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા ઉપરાંત લોકો સુધી પોષણ અંગે સાચી માહિતી પહોંચે અને રોજિંદી ખાણીપીણીની આદતોમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે વર્તણૂક પરિવર્તન સંચારની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
માતા અને બાળ પોષણ મજબૂત કરવા પર વિશેષ ભાર
સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપને ઘટાડવા માટે જાહેર આરોગ્ય પ્રણાલીની ભૂમિકા અંગે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવા માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ICDS અને અન્ય પોષણ પહેલ દ્વારા માતા અને બાળ પોષણને વધુ મજબૂત કરવા તેમજ શાળાકીય પોષણ કાર્યક્રમોની અસરકારકતા વધારવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જોડાયેલા સરકારી અધિકારીઓ, નિયામક સંસ્થાઓ અને ઉદ્યોગના હિસ્સેદારોએ ફૂડ ફોર્ટિફિકેશન, ગુણવત્તાયુક્ત ખોરાક અને પોષણ અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે સંકલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ રાજ્ય સ્તરીય પરામર્શ બેઠક દ્વારા ગુજરાતમાં માત્ર ખાદ્ય સુરક્ષા પૂરતી સીમિત ન રહીને વ્યાપક પોષણ સુરક્ષા તરફ આગળ વધવા માટે વિવિધ ક્ષેત્રોને સાથે લઈને કામગીરી કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
