ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે.આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા.દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા હતા.ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા.દરમિયાન હાંસોટથી નીકળેલી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્કવેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી.જ્યાં અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે રેલીને અટકાવી હતી.પોલીસે ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવાની મંજૂરી ન હોવાનું કારણ આપતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી.પોલીસની કાર્યવાહીના વિરોધમાં ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે કેટલાક ખેડૂત આગેવાનો અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેન કર્યા હતા.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા.બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરે વાતચીત બાદ ડિટેન કરાયેલા ખેડૂત આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ રવાના થઈ હતી.
ગાંધીનગર કૂચ કરતી ખેડૂત રેલી અટકાવાઈ.....