૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ઐતિહાસિક હવામહલ ખાતે માત્ર મહિલાઓ માટે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Yoga for Healthy Ageing’ થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ કોચ સાયનાબેન ચામડીયા તેમજ યોગ ટ્રેનર્સ વર્ષાબેન પટેલ, નમ્રતાબેન પટેલ અને ઇલાબેન ખવાએ ઉપસ્થિત બહેનોને નિયત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવ્યો હતો. યોગ નિષ્ણાતોએ યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપતાં નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ પાઠવ્યો હતો.કાર્યક્રમમાં મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક બહેનો ઉપસ્થિત રહી હતી.