હોટ ફિક્સ કચરો સુરત શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરત સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હોટ ફિક્સ અને ઔદ્યોગિક કચરાના મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. AAPએ ભાજપશાસિત સુરત મહાનગરપાલિકા સામે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ટેક્સટાઇલ અને હોટ ફિક્સ સાથે સંકળાયેલા ગૃહઉદ્યોગો તથા નાના કારખાનાં બંધ કરાવવાનો પ્રયાસ થશે તો જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
કચરાના નિકાલની વ્યવસ્થા અંગે પાલિકા સામે સવાલ
AAPના નેતાઓએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ટેક્સટાઇલ અને હોટ ફિક્સ સાથે જોડાયેલા ઘરગથ્થુ તેમજ નાના ઉદ્યોગો અને કારખાનાં બંધ કરાવવા માટે નોટિસો આપવામાં આવી રહી છે.
પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક અને કોમર્શિયલ વિસ્તારોમાંથી ઘરવેરાની સરખામણીએ 10 ગણો વધુ વેરો વસૂલવામાં આવતો હોવાનો તેમનો દાવો છે, તો પછી આવા વિસ્તારોમાં કચરાના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?
AAPએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં પહેલેથી બેરોજગારીની સમસ્યા છે ત્યારે નાના-મોટા ગૃહઉદ્યોગો બંધ કરાવીને લોકોની રોજીરોટી પર અસર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચીનથી આવતા પ્લાસ્ટિક અંગે પણ ઉઠાવ્યા સવાલ
પત્રકાર પરિષદ દરમિયાન ચીનથી આવતા પ્લાસ્ટિકનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. AAPએ સવાલ કર્યો હતો કે જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે તે જો પોર્ટ મારફતે શહેરો સુધી પહોંચે છે અને તેના પર કસ્ટમ ડ્યુટી પણ વસૂલવામાં આવે છે, તો આ પ્રકારનો કચરો શહેરમાં કેવી રીતે ભેગો થાય છે તેનો જવાબ આપવામાં આવે.
આમ આદમી પાર્ટીએ હોટ ફિક્સ અને ઔદ્યોગિક કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું હતું.
AAPએ ચીમકી આપી છે કે સુરત મહાનગરપાલિકા સફાઈ અને કચરાના નિકાલની પોતાની જવાબદારી નિભાવવાને બદલે ગૃહઉદ્યોગો અને નાના કારખાનાં બંધ કરાવવાનો પ્રયાસ કરશે તો પાર્ટી દ્વારા જનઆંદોલન ઊભું કરીને લડત આપવામાં આવશે.
આ તમામ મુદ્દા અને આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યા છે.
