કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સના સહયોગથી ઈનોવેશન સેન્ટર શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, પ્રોગ્રામિંગ અને ડિજિટલ કન્ટેન્ટનું પ્રાયોગિક શિક્ષણ મળશે.,
કર્ણાવતી ઈનોવેશન સેન્ટરનો પ્રારંભ ઉદ્યોગ સાથે સંકળાયેલા શિક્ષણને વધુ મજબૂત બનાવવા અને નવી ટેકનોલોજી, ગેમિંગ તથા ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યો છે. કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સના સહયોગથી શરૂ કરેલા આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ગેમ ડિઝાઇન, ગેમ પ્રોગ્રામિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશનનો પ્રાયોગિક અનુભવ મેળવવાની તક મળશે.
ઈનોવેશન સેન્ટરમાં ત્રણ વિશેષ ઝોન
કર્ણાવતી ઈનોવેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે જિઓગેમ્સ એક્સપિરિયન્સ ઝોન, કન્ટેન્ટ ક્રિએશન ઝોન અને ઈન્સ્ટ્રક્શનલ ઝોન એમ અલગ-અલગ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય ઝોન વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે સીધી રીતે જોડવાનો પ્રયાસ કરશે.
જિઓગેમ્સ એક્સપિરિયન્સ ઝોનમાં વિદ્યાર્થીઓ જિઓગેમ્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ગેમ્સનો અનુભવ મેળવી શકશે. સાથે જ તેમને પોતાની નવી ગેમ્સ વિકસાવવા અને ગેમિંગ સાથે જોડાયેલા વિવિધ પાસાઓને સમજવાની તક પણ મળશે.
કન્ટેન્ટ ક્રિએશન ઝોનમાં વિદ્યાર્થીઓ ડિજિટલ અને ઇન્ટરેક્ટિવ મીડિયા સાથે પ્રયોગ કરી શકશે. બદલાતા ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએશનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિચારોને ટેકનોલોજી સાથે જોડવાની તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગેમ ડિઝાઇન અને પ્રોગ્રામિંગનું પ્રાયોગિક શિક્ષણ
ઈન્સ્ટ્રક્શનલ ઝોનમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગના નિષ્ણાતોના સહયોગથી ગેમ ડિઝાઇન, ગેમ પ્રોગ્રામિંગ અને ગેમિંગ ક્ષેત્રનું વ્યવહારુ શિક્ષણ આપવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતો અનુભવ નહીં રહે પરંતુ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને ટેકનોલોજી અંગે પણ જાણકારી મેળવી શકશે.
આ પહેલથી કર્ણાવતી યુનિવર્સિટીના એનિમેશન અને ગેમ ડિઝાઇનના બી.ડિઝાઇન તેમજ ગેમ પ્રોગ્રામિંગના બી.ટેક-સીએસઈ અભ્યાસક્રમોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ઈનોવેશન સેન્ટર દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટાડવાની સાથે વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે કામ કરવાની તક મળશે. ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક અનુભવ અને ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કર્ણાવતી યુનિવર્સિટી અને જિઓગેમ્સની આ પહેલ દ્વારા ગેમિંગ, ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં નવીનતા તથા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
