"કૌશલ્ય વિકાસમાં ઉત્તર પ્રદેશની મોટી સિદ્ધિ, NEPના પાંચેય માપદંડ પૂર્ણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય"
 

ઉત્તર પ્રદેશ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે યોગી સરકારના નેતૃત્વમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત વ્યાવસાયિક શિક્ષણના કૌશલ્ય વિકાસ માટે નક્કી કરાયેલા પાંચેય માપદંડ પૂર્ણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે તેમને રોજગાર, સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે તૈયાર કરવાનો છે.

કૌશલ્ય વિકાસમાં ઉત્તર પ્રદેશની મોટી સિદ્ધિ

ઉત્તર પ્રદેશ સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યાવસાયિક શિક્ષણના પાંચેય કૌશલ્ય વિકાસ માપદંડોને પોતાના તાલીમ કાર્યક્રમમાં સામેલ કર્યા છે. આ તમામ માપદંડોને કૌશલ્ય તાલીમ કાર્યક્રમમાં સામેલ કરનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યોગી સરકારની આ પહેલથી રાજ્યના શાળાકીય વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવહારુ કૌશલ્ય શીખવાની તક મળી રહી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગાર મેળવવા ઉપરાંત પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને AI અને ડિજિટલ કૌશલ્યની તાલીમ

આ યોજનાના ભાગરૂપે સ્કૂલી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં ટેકનિકલ ક્ષમતા, સોફ્ટ સ્કિલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ કૌશલ્ય અને નાણાકીય જાગૃતિનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા વિકાસ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજના ટેક્નોલોજીના યુગમાં AI અને ડિજિટલ કૌશલ્યનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટ પ્રવીણમાં બે નવા મોડ્યુલનો ઉમેરો

ઉત્તર પ્રદેશ કૌશલ્ય વિકાસ મિશન (UPSDM) દ્વારા ચલાવવામાં આવતી 'પ્રોજેક્ટ પ્રવીણ' યોજનામાં બે નવા મોડ્યુલનો ઉમેરો કરવામાં આવ્યો છે. મિશનના નિર્દેશક પુલકિત ખરેની પહેલ હેઠળ શરૂ કરાયેલા આ મોડ્યુલ વિદ્યાર્થીઓના સર્વાંગી કૌશલ્ય વિકાસને વધુ મજબૂત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે.

આ નવા મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ આર્થિક સમજ વિકસાવવા, નાણાકીય વ્યવસ્થાપન શીખવા અને સ્વરોજગારની તકો ઓળખવા માટે તાલીમ આપવામાં આવશે.

નાણાકીય જાગૃતિ અને ઉદ્યોગસાહસિકતા પર ભાર

નવા તાલીમ મોડ્યુલનો એક મહત્ત્વનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નાણાકીય સમજણ વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓને નાણાંનું યોગ્ય આયોજન, નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક નિર્ણય લેવાની સમજ આપવામાં આવશે.

સાથે જ ઉદ્યોગસાહસિકતા અંગેની તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.

આ પહેલથી ઉત્તર પ્રદેશમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનો હેતુ યુવાનોને ભવિષ્યની રોજગારલક્ષી જરૂરિયાતો અનુસાર તૈયાર કરવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ રીતે ઉત્તર પ્રદેશ સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપીને દેશના અન્ય રાજ્યો માટે એક નવો માર્ગ રજૂ કર્યો છે.