"ખાડી પૂરથી સુરત ફરી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં જનજીવન પ્રભાવિત"

સુરતમાં ભારે વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખાડી પૂરનો ખતરો યથાવત રહ્યો છે. શહેરની અનેક ખાડીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસી ગયા છે. સારોલી, પર્વત ગામ, પર્વત પાટિયા, પાંડેસરા, લિંબાયત અને સનિયા હેમાદ સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

કુંભારીયા ખાડી ઓવરફ્લો, મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ

ઉપરવાસમાંથી સતત પાણી આવતાં શહેરની મુખ્ય ખાડીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કુંભારીયા ખાડી ઓવરફ્લો થતાં ભરત કેન્સર હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ખાડીનું પાણી મુખ્ય માર્ગ પર આવી જતાં રસ્તો જાણે નદીમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સારોલી પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી

સારોલી ગામમાં ખાડીનું પાણી ઘૂસી જતાં સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન તરફ જવાના માર્ગ પર અંદાજે છથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં રસ્તો બંધ કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશનની આસપાસ પણ પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાતાં કામગીરી પર અસર જોવા મળી હતી. ખાડી ઓવરફ્લો થતાં સારોલી ગામ બહાર જતો માર્ગ પણ બંધ થઈ ગયો હતો.

પર્વત ગામથી પાંડેસરા સુધી પાણીનો કહેર

શહેરના પર્વત ગામ, પર્વત પાટિયા, લિંબાયતની મીઠી ખાડી, સનિયા હેમાદ અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં ખાડી પૂરનું પાણી ફરી વળતાં રહેણાંક વિસ્તારોમાં પણ અસર જોવા મળી હતી. ભારે વરસાદનું રેડ એલર્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક વરસાદ ઘટ્યો હોવા છતાં ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે સ્થિતિ હજુ ગંભીર બની રહી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ પરિસ્થિતિ સામાન્ય બનવાની શક્યતા છે.

સાયબર પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા

ખાડી પૂરનો પ્રભાવ સરકારી કચેરીઓ પર પણ જોવા મળ્યો હતો. સુરતનું સાયબર પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ મથકની બહાર ગોઠણસમાં પાણી ભરાઈ જતાં કર્મચારીઓ અને અરજદારોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

પાંડેસરામાં ફાયર વિભાગે 10 લોકોનું રેસ્ક્યુ કર્યું

પાંડેસરાના કૃષ્ણનગર વિસ્તારમાં પાણીનું સ્તર સતત વધતાં અનેક પરિવારો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ બોટની મદદથી મહિલાઓ અને બાળકો સહિત કુલ 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા મુજબ અગાઉથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, છતાં કેટલાક લોકો ત્યાં જ રહેતાં પાણીમાં ફસાઈ ગયા હતા.

તંત્રની અપીલ, બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના

ખાડી પૂરના કારણે શહેરના અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.