તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં બનેલી બાઈક ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, ગત ૨૫ મેની રાત્રે કુકરમુંડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન આશ્રવાગામ ત્રણ રસ્તા પાસે મહારાષ્ટ્ર તરફથી આવતી વરના કારની તપાસ દરમિયાન કારની ડીકીમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ મળી આવ્યા હતા.પોલીસે કારમાં સવાર ફરદિન મહેમુદ પઠાન અને રેહાન જાકીર પીંજારીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ સ્પેર પાર્ટ્સ આશ્રવાગામ સ્થિત ગણપતિ દાદાના મંદિર પાસેથી ચોરાયેલી મોટરસાયકલના હતા.પોલીસે એન્જિન નંબરના આધારે વાહન માલિકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ત્રીજા આરોપી ભપ્પુ ઉર્ફે અરબાઝ સફી પિંજારીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત સોનુ લતીફ શેખ અને સલમાન નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ, એક વરના કાર તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ અંદાજે રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ કુકરમુંડા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.