મેઘરજમાં ખેતરોમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો,બે આરોપી ઝડપાયા..

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાંથી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા કૉપર વાયરની ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હતો. આ બનાવોથી ખેડૂતોને આર્થિક નુકસાન થતાં પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ વિશેષ તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલો કૉપર વાયર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મેઘરજમાં કૉપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા; ₹64 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ, ખેડૂતો દ્વારા ખેતરોમાં સિંચાઈ માટે લગાવવામાં આવેલા કૉપર વાયરની વારંવાર ચોરી થતાં અનેક ફરિયાદો નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારોની માહિતી અને અન્ય પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી.

સઘન તપાસના અંતે પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ મેઘરજ વિસ્તારના વિવિધ ખેતરોમાંથી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા કૉપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે તેમની પાસેથી 12 કિલો કૉપર વાયર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹64,400 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ જગદીશ રમેશભાઈ કટારા અને ગજેન્દ્ર ઉર્ફે ગજુભાઈ મોહનલાલ ડામોર તરીકે થઈ છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે નહીં. જરૂર પડે તો અન્ય વિસ્તારોમાં નોંધાયેલા સમાન ગુનાઓ સાથે પણ તેમની સંડોવણી તપાસવામાં આવશે.

મેઘરજ પોલીસની આ સફળ કામગીરીથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. પોલીસે ખેડૂતોને પોતાના ખેતરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. જિલ્લા પોલીસનું કહેવું છે કે મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.