આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું ફાયર અને ઇમરજન્સી વિભાગ સંપૂર્ણ સજ્જ બનવા તરફ આગળ વધી રહ્યું છે. પૂર અને પાણીજન્ય આપત્તિઓનો સામનો કરવા ફાયર જવાનોને વિશેષ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મોન્સૂન પૂર્વે ખાસ તૈયારી હાથ ધરવામાં આવી છે.ચોમાસા દરમિયાન સર્જાતી પૂર અને પાણીજન્ય આપત્તિઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.૨ જૂનથી ૧૦ જૂન સુધી ચાલનારી આ વિશેષ તાલીમમાં ફાયરના જવાનોને આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.શહેરના દરેક ફાયર સ્ટેશનમાંથી તરવૈયા જવાનોની પસંદગી કરીને તેમને તાલીમ માટે મોકલવામાં આવ્યા છે.પ્રથમ તબક્કામાં ૨૫ જવાનોની બેચને હોડી, સ્કૂબા સેટ અને અન્ય આધુનિક બચાવ સાધનો સાથે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.તાલીમ દરમિયાન ઊંડા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.ફાયર જવાનો દરરોજ ૪ થી ૫ કલાક સુધી પ્રાયોગિક અને ટેકનિકલ તાલીમ મેળવી રહ્યા છે.ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની આપત્તિ સર્જાય તો ફાયર વિભાગની ટીમો ઝડપી અને અસરકારક રીતે બચાવ કામગીરી કરી શકે તે માટે આ તાલીમ અત્યંત ઉપયોગી સાબિત થશે.હાલ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ચોમાસાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે.