નશામાં બેફામ કાર ચલાવનાર આર્કિટેક્ટ ઝડપાયો...
સુરતમાં નશામાં બેફામ કાર ચલાવી આતંક મચાવનાર આરોપી અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. EV કારથી અનેક વાહનોને અડફેટે લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.સુરત શહેરમાં નશાની હાલતમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપીની ઓળખ 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા તરીકે થઈ છે. આરોપી વ્યવસાયે આર્કિટેક્ટ હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી એટલો દારૂના નશામાં હતો કે તેને પોતાના કૃત્યનું ભાન પણ ન હતું. કારમાં જ બિયર પીતા-પીતા તે શહેરમાં ફરી રહ્યો હતો.આ દરમિયાન આરોપીએ પોતાની EV કારથી બાઈક અને સ્કૂટરને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે સગા ભાઈઓ અને બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કેટલાકના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા, અકસ્માત સર્જવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.