સુરત પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. *ઓપરેશન ડેલ્ટા હન્ટ* અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા ડ્રાઈવ યોજી 84 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.સુરત પોલીસે ગઈકાલે મોડી રાતથી *ઓપરેશન ડેલ્ટા હન્ટ* અંતર્ગત શહેરભરમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભેસ્તાન, ઉન, પાંડેસરા, પુણા, રાંદેર, અમરોલી, કોસાડ અને ચોકબજાર સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન કુલ 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરી તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 84 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા લોકોમાં 34 પુરુષ, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ લોકો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ એજન્ટોની મદદથી નકલી દસ્તાવેજો અને બોગસ આધારકાર્ડ બનાવી સુરત સહિતના શહેરોમાં વસવાટ કરતા હતા.પોલીસે વધુ 107 શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાક લોકો હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગુનાઓ સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.