પાલિકાનો આસિસ્ટન્ટ ઈજનેર લાંચ લેતા ઝડપાયો....
સુરતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. સુરત ACBએ પાલિકાના ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરને ₹45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે આ જ અધિકારી અગાઉ પણ લાંચ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવી પાલિકાના લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જીજ્ઞેશ મોદીને ₹45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ કામગીરીનું બિલ મંજૂર કરી આપવા બદલ આસિસ્ટન્ટ ઈજનેર જીજ્ઞેશ મોદીએ ₹50 હજારની લાંચની માંગણી કરી હતી.બાદમાં રકઝકના અંતે ₹45 હજાર પર સોદો નક્કી થયો હતો. ફરિયાદીએ આ અંગે સુરત ACBનો સંપર્ક કરતાં ACBએ ટ્રેપ ગોઠવી હતી.ટ્રેપ દરમિયાન ઉધના ઝોન કચેરીના ગેટ બહારથી ₹45 હજારની લાંચ સ્વીકારતા જીજ્ઞેશ મોદીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2021માં પણ જીજ્ઞેશ મોદી રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ₹15 હજારની લાંચ કેસમાં ACBના હાથે ઝડપાયો હતો.હાલ સુરત ACB સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.