રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડુપ્લિકેટ તથા બિનઅધિકૃત બ્રાન્ડેડ માલસામાનના વેચાણ વિરુદ્ધ ચલાવવામાં આવતી વિશેષ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી એસઓજીની ટીમે મોડાસા શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.ખાનગી બાતમીના આધારે એસઓજી પોલીસે મોડાસાની "મી શૂઝ" અને "બુલેટ" નામની ફૂટવેર દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણીતી નાઇક કંપનીની માર્કવાળી ડુપ્લિકેટ શૂઝનું વેચાણ થતું હોવાનું સામે આવતા પોલીસે દરોડો પાડી કુલ 265 જોડી શૂઝ કબજે કર્યા હતા. કબજે કરાયેલા ડુપ્લિકેટ શૂઝની અંદાજિત કિંમત રૂ. 2 લાખ 65 હજાર હોવાનું જણાવાયું છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મોડાસાના સ્વામીનારાયણ ડુંગરી વિસ્તારમાં રહેતા પ્રદીપ કેશાભાઈ ધોરી અને મહાદેવગ્રામના રહેવાસી ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કૉપિરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી એસઓજીની આ કાર્યવાહી બાદ ડુપ્લિકેટ બ્રાન્ડેડ માલસામાનનું વેચાણ કરતા વેપારીઓમાં ચકચાર મચી જવા પામી છે.