સુરત શહેર પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સચિન પોલીસ સ્ટેશનની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સચિન દર્શન ટાવર ચાર રસ્તા પાસેથી સફેદ રંગની હ્યુન્ડાઈ વર્ના કાર નંબર GJ-05-JD-7839 ને અટકાવી હતી. પોલીસે કારની તપાસ કરતાં તેમાંમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 468 નંગનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂપિયા 3 લાખની કિંમતની કાર અને 10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 4,15,814 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે રાજુ શાંતિલાલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે, જે જમીન દલાલીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.સચિન પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
સચિન પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો..