સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારનો મોટો પ્લાન....
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ભુજ ખાતે BSF જવાનો સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની સરહદો પર ચાર સ્તંભીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે. સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, વોચ ટાવર અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે.અમિત શાહે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરહદ પર ફેન્સિંગનું કામ હવે વધુ ઝડપથી આગળ વધશે. સાથે જ કચ્છના સર ક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં હાઈટેક દેખરેખ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.ગૃહમંત્રીએ BSF જવાનોની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે જવાનો કચ્છના રણથી લઈને રાજસ્થાનના રેતીલા વિસ્તારો અને સર ક્રીકના કાદવવાળા પ્રદેશોમાં કઠિન પરિસ્થિતિઓ વચ્ચે દેશની સુરક્ષા માટે સતત ફરજ બજાવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠામાં BSFની કામગીરી વિશે જનજાગૃતિ માટે શરૂ કરાયેલા કેન્દ્રની મુલાકાત છેલ્લા એક મહિનામાં 2.5 લાખથી વધુ લોકોએ લીધી છે, જે દેશની સરહદ સુરક્ષા પ્રત્યે લોકોની વધતી જાગૃતિ દર્શાવે છે.