સુરતના સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક અને લસકાણા વિસ્તારોમાં બિલ્ડરો તથા કેટલાક મકાન માલિકો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મંજૂર નકશા અને બિલ્ડિંગ નિયમોનો ભંગ કરીને વધારાના માળો, ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક એકમો ચલાવવામાં આવી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરથાણા સહિત પાંચ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપ, સ્થાનિકોએ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી
સ્થાનિકોના આક્ષેપ મુજબ, બિલ્ડિંગને ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળની મંજૂરી હોવા છતાં અનેક સ્થળોએ બેઝમેન્ટ સાથે વધારાના ચારથી પાંચ માળનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રહેણાંક ઉપયોગ માટે મંજૂરી મેળવેલા મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ તેમજ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચલાવવામાં આવી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. જેના કારણે રહેણાંક વિસ્તારોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મંજૂર પ્લાનની વિરુદ્ધમાં માર્જિન અને પાર્કિંગ વિસ્તાર પર પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે સુરત મહાનગરપાલિકાને એફએસઆઈ સહિતની આવકમાં નુકસાન થઈ રહ્યું હોવાનું પણ તેઓનું કહેવું છે. આ ઉપરાંત બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ મેળવ્યા વિના જ અનેક ઇમારતોનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે પાણી, ગટર તથા અન્ય નાગરિક સુવિધાઓના જોડાણ મેળવી કામગીરી શરૂ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી ગેરકાયદેસર ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણ, પાર્કિંગની અછત અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો દિવસેને દિવસે વધી રહ્યા છે. અનેક વખત મહાનગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે મંજૂર પ્લાનનો ભંગ કરીને ઉભા કરાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે. યુઝ સર્ટિફિકેટ વિના ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગોને સીલ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પાણી, ગટર અને વીજ જોડાણો પણ બંધ કરવામાં આવે. સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.