તાપી જિલ્લાના નિઝર તાલુકામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિઝર તાલુકાના સરવાળા ગામ નજીક વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થાનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી અને દેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 49 લાખથી વધુ કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.દારૂના જથ્થામાં સમાવિષ્ટ કુલ 18 હજાર 937 બોટલો પર રોલર ફેરવી કાયદેસર રીતે મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યવાહી નિઝર વિભાગના ડેપ્યુટી પોલીસ અધિક્ષક અને નિઝર પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.