"સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ શિક્ષણથી વિદ્યાર્થીઓને નવી દિશા.."
લોર ગામની સરકારી શાળા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આધુનિક શિક્ષણ અને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ગીર જંગલને અડીને આવેલા પ્રાકૃતિક અને હરિયાળા વાતાવરણમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે શાળામાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ, કોમ્પ્યુટર શિક્ષણ, સાયન્સ લેબ અને અટલ ટિન્કરિંગ લેબ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ શહેર જેવી આધુનિક શિક્ષણ વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે.
સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ ટેક્નોલોજીથી ગુણવત્તાયુક્ત શિક્ષણ
શાળામાં દરેક વિદ્યાર્થીઓને ટેક્નોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે માટે સ્માર્ટ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. શિક્ષકો ડિજિટલ માધ્યમથી વિષયોને સરળ અને રસપ્રદ રીતે સમજાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ પડે છે. ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા બાળકોને ડિજિટલ વિશ્વનું પ્રાથમિક જ્ઞાન પણ આપવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનું મહત્વ વધતું જાય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
શાળામાં સાયન્સ લેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રયોગો કરીને વિજ્ઞાનને સમજવાની તક મળે છે. સાથે જ અટલ ટિન્કરિંગ લેબમાં વિદ્યાર્થીઓ પોતાની નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી શકે છે. આ લેબ દ્વારા બાળકોમાં સંશોધન અને નવી શોધ કરવાની ભાવના પણ વિકસાવવામાં આવે છે.
પ્રકૃતિના સાનિધ્યમાં સર્વાંગી વિકાસ
લોર ગામની આ સરકારી શાળા માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકે છે. શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર અને મધ્યાહન ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છ, હરિયાળું અને પ્રકૃતિથી ભરપૂર વાતાવરણ બાળકોના માનસિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ગીર જંગલની નજીક આવેલી આ શાળા આજે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની છે. આધુનિક ટેક્નોલોજી, પ્રયોગાત્મક શિક્ષણ, અનુભવી શિક્ષકો અને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓના કારણે લોર ગામની સરકારી પ્રાથમિક શાળા અન્ય સરકારી શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું આ શાળા જીવંત ઉદાહરણ બની છે.