SOGએ મેફેડ્રોનડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો,મુદ્દામાલ જપ્ત
મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો હોવાની ઘટના તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં સામે આવી છે. તાપી એસઓજી (SOG)ની ટીમે નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરતાં સોનગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પરથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ ₹39 હજાર 760નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સોનગઢમાં SOGની સફળ કાર્યવાહી
તાપીના સોનગઢ માં SOGએ 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી ધરપકડ કરી, ₹39,760 નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
પોલીસ મહાનિરીક્ષક અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાપી એસઓજીની ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સોનગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી સચિનભાઈ ભીખાભાઈ ભોઈના કબ્જામાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ ₹39 હજાર 760ની કિંમતનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
તાપી એસઓજીની કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપી સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ હવે ડ્રગ્સના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરી રહી છે. નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે તાપી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આ કેસમાં પણ તપાસને આગળ વધારવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે એસઓજીની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે સોનગઢ પોલીસ વધુ તપાસ કરી રહી છે.