સોલ્વન્ટમાં આગ ભભૂકી,દહેજ GIDCની કેતુલ કેમિકલ્સમાં ભીષણ આગ..

 

ભરૂચ જિલ્લાના દહેજ GIDCમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઊઠતા જોતજોતામાં સમગ્ર પ્લાન્ટમાં આગ ફેલાઈ ગઈ હતી. સદનસીબે કંપનીમાં હાજર તમામ કામદારો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.

દહેજની કેતુલ કેમિકલ્સમાં ટ્રાયલ દરમિયાન ભીષણ આગ, 10 કામદારોનો આબાદ બચાવ..

ભરૂચના દહેજ GIDCમાં કેતુલ કેમિકલ્સ કંપનીમાં ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટમાં આગ લાગી. 10 કામદારોનો આબાદ બચાવ થયો, ઘટનાની તપાસ શરૂ કરાઈ. મળતી માહિતી મુજબ, કંપનીમાં નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ લાગતાં કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને સમગ્ર પ્લાન્ટમાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જઈ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

ઘટનાની જાણ થતાં જ દહેજ અને આસપાસના વિસ્તારથી ફાયર વિભાગની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણી અને ફોમનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે જરૂરી તમામ સુરક્ષા પગલાં પણ લેવામાં આવ્યા હતા.

આગ લાગવાના સમયે કંપનીમાં અંદાજે 10 જેટલા કામદારો હાજર હતા. સમયસર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતા કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. જોકે, આગના કારણે કંપનીના પ્લાન્ટ અને મશીનરીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન હજુ બાકી છે.

ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ISH) વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન સોલ્વન્ટમાં આગ લાગવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને કંપનીમાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.