સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો.ગોલ્ડન હોસ્પિટલ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ વરલી મટકાનો જુગાર ધમધમી રહ્યો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરોડા દરમિયાન વરલી મટકાનો ગેરકાયદે ધંધો ચલાવતા 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં વરલી મટકાના રાઇટર અને કેશિયરોનો પણ સમાવેશ થાય છે.પોલીસે સ્થળ પરથી રૂ. 69 હજારથી વધુની રોકડ રકમ, 7 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સ્થાનિક પોલીસના નાક નીચે લાંબા સમયથી ચાલતા આ ગોરખધંધાનો સ્ટેટ વિજિલન્સે પર્દાફાશ કરતા અનેક સવાલો પણ ઉભા થયા છે.કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર હારૂન શેખ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.સ્ટેટ વિજિલન્સની ટીમે ફરાર આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.