સુરત APMC સતત ત્રીજા વર્ષે નંબર-1...
સુરત કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)એ સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી વધુ એક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. વર્ષ 2025-26 દરમિયાન સુરત APMCએ રૂ. 51.09 કરોડની ઐતિહાસિક આવક નોંધાવી રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી પોતાનો ડંકો વગાડ્યો છે.સુરત APMCનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4000 કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જે રાજ્યની કૃષિ બજાર વ્યવસ્થામાં સુરતની મજબૂત સ્થિતિ દર્શાવે છે. ખેડૂતો, વેપારીઓ અને બજાર સમિતિના સુવ્યવસ્થિત સંચાલનના પરિણામે સુરત APMCએ સતત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આધુનિક સુવિધાઓ અને પારદર્શક કામગીરીને કારણે સુરત APMC રાજ્યની અન્ય બજાર સમિતિઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. ખાસ કરીને 200 ટ્રકોની ક્ષમતા ધરાવતા પાર્કિંગ સહિતની આધુનિક સુવિધાઓને કારણે સુરત APMC દેશની પ્રથમ રોલ મોડેલ બજાર સમિતિ તરીકે પણ ઉભરી આવી છે. સુરત APMCની આ સિદ્ધિથી ખેડૂતો, વેપારીઓ તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.