"સુરત BRTS બસમાં AC મુદ્દે ડ્રાઇવર-મુસાફરો વચ્ચે વિવાદ.."

સુરત BRTS બસ ડ્રાઇવર વિવાદનો એક મામલો સામે આવ્યો છે. રૂટ નંબર 17ની BRTS બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ગરમી અને ગૂંગળામણ અનુભવાતા તેમણે ડ્રાઇવરને AC ચાલુ કરવા વિનંતી કરી હતી. મુસાફરોનો આક્ષેપ છે કે આ સામાન્ય માંગને લઈને ડ્રાઇવર સાથે વિવાદ સર્જાયો હતો અને બાદમાં ડ્રાઇવર વરાછા મીની બજાર પાસે બસ છોડીને ચાલ્યો ગયો હતો. એટલું જ નહીં, બસમાં સવાર મુસાફરોને રસ્તા પર ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

AC ચાલુ કરવાની માંગને લઈને વિવાદ

મળતી માહિતી મુજબ સુરતની રૂટ નંબર 17ની BRTS બસમાં મુસાફરી દરમિયાન ગરમી અને ગૂંગળામણને કારણે મુસાફરોએ AC ચાલુ કરવાની માંગ કરી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરે તેમની રજૂઆત સામે કથિત રીતે ‘ગરમી લાગતી હોય તો ઉતરી જાવ’ તેવો જવાબ આપ્યો હતો.

આ દરમિયાન બસમાં સવાર એક મહિલા મુસાફરે પોતાના મોબાઇલમાં ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. મુસાફરોનો દાવો છે કે મોબાઇલનો કેમેરો ચાલુ થયા બાદ બસનું AC શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ પણ સમગ્ર મામલો શાંત થવાને બદલે વિવાદ આગળ વધ્યો હતો.

વરાછા મીની બજાર પાસે બસ છોડીને ચાલ્યા ગયાનો આક્ષેપ

મુસાફરોનો આક્ષેપ છે કે બસ વરાછા મીની બજાર વિસ્તારમાં પહોંચ્યા બાદ ડ્રાઇવર બસ છોડીને ચાલ્યો ગયો હતો. જેના કારણે બસમાં સવાર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને બસમાં સવાર મહિલા મુસાફરો દ્વારા ઘરે પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

જાહેર પરિવહન સેવાનો ઉપયોગ દરરોજ મોટી સંખ્યામાં લોકો કરે છે. ત્યારે મુસાફરોને બસમાં જરૂરી સુવિધા મળે અને તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવે તે મહત્વનું છે. આ ઘટનાને લઈને હવે BRTS બસના સંચાલન અને મુસાફરો સાથે કરવામાં આવતી વર્તણૂક સામે સવાલો ઊભા થયા છે.

જોકે સમગ્ર મામલે મુસાફરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અથવા બસ સંચાલકનો સત્તાવાર પક્ષ સામે આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હવે આ ઘટના અંગે તંત્ર તપાસ કરે છે કે કેમ અને જો મુસાફરોના આક્ષેપોમાં તથ્ય જણાય તો ડ્રાઇવર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.