સુરત એરપોર્ટ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બેંગલુરુથી સુરત આવેલી મહિલા મુસાફરનું અંદાજે ₹3.5 લાખનું સોનાનું કંગન ગુમ થઈ જતાં CISFએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં કંગન શોધી કાઢ્યું અને તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપ્યું. CISFની આ કામગીરીને મહિલા મુસાફર અને તેમના પરિવારજનોએ ખૂબ બિરદાવી છે.
સુરત એરપોર્ટ પર CISFની સરાહનીય કામગીરી, ₹3.5 લાખનું સોનાનું કંગન ગણતરીના કલાકોમાં શોધી મહિલાને પરત આપ્યું..
મળતી માહિતી મુજબ, બેંગલુરુથી સુરત આવેલી મહિલા મુસાફર રિયા જૈન એરોબ્રિજ મારફતે વિમાનમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમનું અંદાજે ₹3.5 લાખની કિંમતનું સોનાનું કંગન અજાણતાં નીચે પડી ગયું હતું. પાછળથી આવતાં એક સહ-પ્રવાસીએ કંગન જોઈ તેને અજાણતા ઉપાડી લીધું હતું. કંગન ગુમ થયાની જાણ થતાં મહિલા મુસાફરે તાત્કાલિક CISF અધિકારીઓનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાં જ CISFની ટીમે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. એરોબ્રિજ અને સંબંધિત વિસ્તારોના CCTV ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંગન ઉપાડનાર સહ-પ્રવાસીની ઓળખ કરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ CISFએ તે વ્યક્તિનો સંપર્ક કરીને કંગન કબજે લીધું અને તેની ખરાઈ કર્યા બાદ મહિલા મુસાફરને પરત સોંપ્યું હતું.
તપાસ દરમિયાન સહ-પ્રવાસીએ આ સમગ્ર ઘટના અજાણતા બની હોવાનું જણાવ્યું હતું અને પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી. CISF દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તેની પાસેથી લેખિત માફીપત્ર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
પોતાનું કિંમતી સોનાનું કંગન સુરક્ષિત રીતે પરત મળતાં મહિલા મુસાફર રિયા જૈન અને તેમના પરિવારજનોએ CISFની ઝડપી, પારદર્શક અને જવાબદાર કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સુરત એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા સાથે તેમના ગુમ થયેલા કિંમતી સામાનને શોધી પરત આપવાની CISFની આ કામગીરી ફરી એકવાર વિશ્વાસ અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.