સુરત ફૂડ પોઈઝનિંગ કેસ અને પાંચ વર્ષની બાળકીના મોતના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. બાળકીનું મોત કયા ચોક્કસ કારણથી થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી ફૂડ પોઈઝનિંગને જ મોતનું નિશ્ચિત કારણ માનવું યોગ્ય નહીં હોવાનું નિવેદનમાંથી સ્પષ્ટ થાય છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત સારવાર કરી રહેલા તબીબો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સારી છે.
ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા આરોગ્ય વિભાગ અને SMCના સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતાના માપદંડોનું પાલન થાય તે માટે શહેરવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના તમામ 9 ઝોનમાં સ્પેશિયલ હેલ્થ ડ્રાઇવ
ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સુરત શહેરના તમામ 9 ઝોનમાં રેસ્ટોરન્ટ્સ માટે સ્પેશિયલ હેલ્થ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને અન્ય જરૂરી આરોગ્યલક્ષી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન જ્યાં ગંભીર ખામી જોવા મળશે ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય તો સંબંધિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જે હોટેલ સાથે હાલની ઘટના જોડાયેલી છે તેને હાલ સીલ કરવામાં આવી હોવાનું પણ મંત્રીએ જણાવ્યું છે.
પાંચ વર્ષની બાળકીના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. PM રિપોર્ટમાં બાળકીનું મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયું હોવાનું સામે આવે અને તપાસમાં રેસ્ટોરન્ટની જવાબદારી જણાય તો પોલીસને જાણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
આ ઘટનાને પગલે શહેરમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતાના મુદ્દે તંત્ર દ્વારા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
