સુરત કાપોદ્રા પોલીસે ₹6 લાખના દાગીના ભરેલી બેગ પરત સોંપી....

 

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પોલીસે પોતાની પ્રામાણિકતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિક્ષામાં મુસાફરી દરમિયાન એક મહિલા પોતાની બેગ ભૂલી ગઈ હતી, જેમાં અંદાજે રૂ.6 લાખના સોનાના દાગીના અને મોબાઇલ ફોન રાખેલા હતા. કિંમતી સામાન ગુમાવતાં મહિલા ચિંતામાં મુકાઈ ગઈ હતી. જોકે, કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બેગ શોધી કાઢી અને સુરક્ષિત રીતે મહિલાને પરત સોંપી હતી.

કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી, ₹6 લાખના દાગીના ભરેલી બેગ મહિલાને પરત સોંપી..

મળતી માહિતી મુજબ, મહિલા રિક્ષામાં મુસાફરી કર્યા બાદ અજાણતાં પોતાની બેગ તેમાં જ ભૂલી ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી બેગ ગુમ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં તેઓ તરત જ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી અરજી નોંધાવી હતી.

ફરિયાદ મળતાં જ કાપોદ્રા પોલીસની ટીમે સમય ગુમાવ્યા વિના તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા રિક્ષાના રૂટ, ઉપલબ્ધ માહિતી તેમજ અન્ય ટેકનિકલ વિગતોના આધારે રિક્ષાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે તે રિક્ષાને શોધી કાઢી હતી અને તેમાં રહેલી બેગ પણ સુરક્ષિત મળી આવી હતી.

તપાસ દરમિયાન બેગમાં અંદાજે રૂ.6 લાખના સોનાના દાગીના તેમજ મોબાઇલ ફોન યથાવત્ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ કાપોદ્રા પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ બેગ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.

પોતાની કિંમતી બેગ અને દાગીના સુરક્ષિત પરત મળતાં મહિલાએ કાપોદ્રા પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પોલીસની સતર્કતા, ઝડપ અને પ્રામાણિકતાના કારણે તેમનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પાછો મળ્યો છે.

કાપોદ્રા પોલીસની આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. શહેર પોલીસ દ્વારા આવા માનવતાભર્યા અને જવાબદાર અભિગમથી નાગરિકોની મદદ કરવામાં આવી રહી છે, જે સમાજ માટે એક સકારાત્મક સંદેશ સમાન છે.