સુરતની ન્યૂ કોર્ટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ, સુરત પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ કોર્ટ પરિસરમાં પહોંચી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સમગ્ર ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
સુરત ન્યૂ કોર્ટમાં બોમ્બની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, બોમ્બ સ્ક્વોડે હાથ ધર્યું સર્ચ ઓપરેશન..
સુરતની ન્યૂ કોર્ટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ઈ-મેલ દ્વારા ધમકી મળતા પોલીસ , બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગે કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.. પ્રાથમિક માહિતી મુજબ, સરકારી જજની સત્તાવાર વેબસાઇટ સાથે સંકળાયેલી વ્યવસ્થામાં બોમ્બ અંગેનો એક ધમકીભર્યો ઈ-મેલ પ્રાપ્ત થયો હતો. માહિતી મળતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય બની ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સુરત પોલીસની વિવિધ શાખાઓ તથા ફાયર વિભાગની ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી.
કોર્ટ પરિસરમાં દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શંકાસ્પદ વસ્તુઓ અથવા વ્યક્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સમગ્ર વિસ્તારને સુરક્ષા દૃષ્ટિએ કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ ધમકીભર્યા ઈ-મેલની સત્યતા, તે કોણે મોકલ્યો, કયા માધ્યમથી મોકલવામાં આવ્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. સાયબર ટેક્નિકલ વિશ્લેષણ સહિત વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે તમામ જરૂરી તકેદારી રાખી રહી છે.
આ ઘટનાએ કોર્ટ સહિત સંવેદનશીલ સરકારી સંસ્થાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.